Thursday, August 9, 2012

Krishna's Bhajans (One of my Favourites) Part 1


શ્યામ તને હું સાચ્ચે કહું છું, માન મલાજો લોપી;
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

જાણીતી ને તોય અજાણી, એક યમુના વહ્યા કરે,
એક વાંસળી મોરપીંછની મૂંગી મૂંગી સહ્યા કરે;
સૂર શબ્દની સીમાએથી આંખ આંખમાં રોપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

કીયા જનમનાં કદંબો ઉગ્યાં કીયા જનમની છાયા,
મીરાં ને મોહન મુખડાની અનંત લાગી માયા;
શ્યામલ તારા ચરણ કમળમાં સઘળું દીધું સોંપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.


એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહિ આવું,
જમનાનાં વ્હેણમાંથી પાણી લઇ મૂકો કે મુરલીની તાન નહિ લાવું.

જમનાને તીર તમે ઊભા તો એમ જાણે ઊભો કદમ્બનો પ્હાડ,
લીલેરી લાગણીઓ ક્યાંય ગઇ ઓસરીને રહી ગઇ વેદનાની વાડ,
ફૂલની સુવાસ તણા સોગન લઇ કહી દો કે શમણાંને સાદ નહિ આવું.

આટલી અધીરતા જવામાં છે કેમ જરા એક નજર ગાયો પર નાખો,
આખરી યે વાર કોઇ મટુકીમાં બોળીને આંગળીનું માખણ તો ચાખો,
એકવાર નીરખી લે ગામ પછી કહી દો કે પાંપણને પાન નહિ આવું.


તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી
મને સૂતીને સપને જગાડ્યા કરી

બાંવરી આ આંખ મારી આમ તેમ ઘુમે
ઝાંઝરથી લજ્જા વેરાય
એકલી ના મહેલમાં ઓશિકે —-
મધુવનમાં વાયુ લહેરાય

હું તો બાહુના બંધમાં બંધાયા કરી
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી

નીલ રંગી છાંય થઇ તારો આ સુર મારી
યમુનાના જળમાંહી દોડે
જાગી ને જોઉં તો જાણું નહીં કે કેમ
કેમ મોરપિંછ મ્હેકે અંબોડે

મને અનહદના રંગમાં ડુબાડ્યા કરી
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી.

No comments:

Post a Comment