Thursday, August 9, 2012

Krishna's Bhajan (One of My Favorites) Part 2

મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?
એક મીટમાં મળ્યા’તા શ્યામ, કોણ માનશે?

એને માથાનું મોરપિચ્છ વ્હાલે ધર્યું,
એની મોરલીની મીઠપથી છલક્યું ગળું,
મારી સંગે હળ્યા’તા શ્યામ, કોણ માનશે?

એની આંખડીથી વૃંદાવન છલકી ગયું,
એના હોઠને વળાંક વ્હાલ મલકી ગયું,
મારે હૈયે ઢળ્યા’તા શ્યામ, કોણ માનશે?


કાનુડો શું જાણે મારી પીડ?
બાઈ અમે બાળ કુંવારા રે….
કાનુડો શું જાણે….

જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વા’લા,
કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા ફરરરર રે….
કાનુડો શું જાણે….

વૃંદા રે વનમાં વ્હાલે રાસ રચ્યો ને,
સોળસે ગોપીના તાણ્યા ચીર, ફાટ્યાં ચરરરર રે….
કાનુડો શું જાણે….

જમુનાને કાંઠે વ્હાલો ગોધણ ચારે રે,
વાંસળી વગાડી, ભાગ્યા ઢોર, ભાગ્યાં હરરરર રે….
કાનુડો શું જાણે….

હું વૈરાગી કાના તમારા રે નામની રે,
કાનુડે માર્યાં છે અમને તીર, વાગ્યાં અરરરર રે….
કાનુડો શું જાણે….

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
કાનુડે બાળીને કીધા ખાખ, રાખ ઉડી ખરરરર રે….
કાનુડો શું જાણે….

લોચનિયામાં ઉમટી યમુના, હૈયે એક જ નામ
અંગ અંગ મ્હોરે વ્રજ થઈને, રોમ રોમમાં શ્યામ
મ્હારા રોમરોમમાં શ્યામ..

પગલે પગલે રજ ગોકુળની, મારગ મારગ વેરી
ગગને છાઈ ઘન વાદળીઓ, શ્યામલ શ્યામલ ઘેરી
શ્વાસ શ્વાસ થઈ સૂર મુરલીનો, વને વહે અવિરામ,
અંગ અંગ મ્હોરે વ્રજ થઈને, રોમ રોમમાં શ્યામ
મ્હારા રોમરોમમાં શ્યામ..

માધવ માધવ નામ ક્યારનું હૈયે આવી રમતું
રંગ ભર્યું એક પીછું આવી શમણામાં ફરફરતું
મ્હોર્યું, મ્હેક્યું નામ શ્યામનું, અંતરમાં અભિરામ,
અંગ અંગ મ્હોરે વ્રજ થઈને, રોમ રોમમાં શ્યામ
મ્હારા રોમરોમમાં શ્યામ..

No comments:

Post a Comment