Wednesday, August 10, 2011

જીવન એક અવસર છે.

જીવન એક અવસર છે, જે ઝડપી લે તેને માટે… જીવન સંઘર્ષ છે જે પોતાની તમામ તાકાતથી સામનો કરે છે તેને માટે…. જીવન એક પડકાર છે, જે સહર્ષ સ્વીકારે છે…. જીવન એક યજ્ઞ છે, જે જ્ઞાન અને શાણપણપૂર્વક બધું જ ‘સ્વાહા’ કરવા તૈયાર છે…. જીવન એક સંગીત છે, જે જીવનમાંથી સંવાદના, સંગીતના મધુર સ્વર નીકળે એવું વાદ્ય બને છે. કૃષ્ણની મોરલી બની અધરે ચઢી જાય છે. જીવન એક જાગરણ છે, પ્રત્યેક કર્મ-તંદ્રારહિત, મૂર્ચ્છા વિના વિવેક અને જાગૃતિપૂર્વક નમ્રતાથી કરે છે તેન માટે. જીવન-આપણું પદ-આપણને મળેલું ગૌરવવતું પદ-સન્માન છે. એના માટે જેની તૈયારી હશે કે આ પદથી હું રાજીનામું નહીં આપું-આ પદને ન શોભે એવું કોઈ કાર્ય હું નહીં કરું, તે શોભશે.

એક જિજ્ઞાસુ એક ગુરુ પાસે જઈ આવેલો. થોડા સમય પછી બીજા ગુરુ પાસે જાય છે, અને કહે છે, ‘આપ બીજા છો, જેની પાસે હું જાણવા આવ્યો છું.’ બીજા ગુરુ એને પૂછે છે કે, ‘પ્રથમ ગુરુએ શું શીખ આપેલી ?’ તો કહે, ‘Learn to accept life and death.’ આ ગુરુ પ્રશ્ને છે, ‘તો હવે, What have you come here for ? અહીં શું જાણવું છે ?’ તો કહે કે ‘How to live inbetween ?’ ‘જન્મ અને મૃત્યુની વચ્ચે જીવનયાત્રા છે – એ કેમ વિતાવવી ?’ આ મર્મ, રીત, પદ્ધતિ, રસ્તો, પથ અનેક હોઈ શકે. એક આધારશિલા, ગમે તે પથે જાઓ, પણ જોઈશે. મહાદેવી કહે છે કે, ‘આપણે દર વર્ષના માર્ચથી મે સુધી દરિયાકિનારે જઈ પ્રાર્થના સાગરને નથી કરતા, કે હે દરિયાદેવ, સૂર્યને તારું જળ આપજે, વર્ષા સારી થાય. રાતે વહેલા જાગીને કે સંધ્યા સમયે નિત્ય સૂર્યને વિનવતા નથી, સવારે જરૂરથી આવજો. વાયુ-પવનને ક્યારેય વિનંતી કરતા નથી કે તું સદાય આવતો રહેજે. જેથી હું શ્વાસ લઈ શકું. કારણ એ છે કે આપણને ખાતરી છે કે આ બધું ક્રમ-નિયમબદ્ધ ચાલે છે. અપવાદ ક્યારેક હોય. તો જીવન પણ સુપેરે ચાલશે, એવી આસ્થા તો હોવી જ જોઈએ

તેથી જીવનનો મર્મ, આશાનું વૃક્ષ બધે ઉછેરવા પ્રયાસ કરવો સારો છે. આશાના વૃક્ષને જેટલી કળીઓ બેસે, તેટલાં ફૂલો ના થાય. અરે, ક્યારેક તો કેવળ પત્તાં જ વૃક્ષ પર હોય, તોયે તમને ખાતરીથી એટલું તો કહેવાયને કે છાંયડો તો આપશે જ. દુ:ખનું વિજ્ઞાન-દર્શન જેટલું નજીકથી કર્યું – શૈશવથી અનુભવી, સંધ્યાએ ઢગ દુ:ખ ભેગું થયું છે. એના આધારે કહું. દુ:ખ તો આવવાનું. દુ:ખી થવું કે નહીં, એ આપણા હાથની વાત. વેદનાનો નકશો પાથરો, તમારી સોસાયટીનો. તમારું દુ:ખ જુઓ. માત્ર અલ્પવિરામ કે પૂર્ણવિરામ જેવું લાગશે. આપણને થશે કે લાવો એની વેદનામાં ભાગીદાર થઈએ. અને કોઈની વેદના કાળજે વાવી, કરુણાની વર્ષા કરી – તો પેલાને શાંતિની લહેરખી જેટલી અડે તે ખરી – પણ આપણે લીલાંછમ રહીશું. અને એ વાત ભૂલાય નહીં, તો હિતમાં છે કે આપત્તિ-દુ:ખ એ જીવનનો ચુકાદો – ફેંસલો નથી. એ તો એના કરકમલે કશોક પાઠ, અવસર, ડહાપણ, શીખ લઈને આવી છે. એને ઉવેખીએ નહીં. વિવેકાનંદે કહ્યું, બળદના શિંગડે મચ્છર બેઠો – એને દુ:ખ શું લાગે ? દુ:ખને એ રીતે લેવું

‘આંખ મીંચું તો અંધારાં,
…..આંખ ખોલું તો અજવાળાં,
તેજ-તિમિરના શ્રીહરિએ
…..અજબ કર્યા સરવાળા !
કમળ-કેદમાં ભમરો કેવળ અંધકાર જાણે,
નભે ઊડતું પંખી ઝળહળ અજવાળું માણે’

અન્ય એક કવિતા :
રાત પડે ને રડવું નહીં,
……ને દિવસ પડે કે હસવું નહીં;
ભડભડ ભડભડ બળવું નહીં,
…….ને થીજી જવાય એવું ઠરવું નહીં.

કારણ વગર કોઈને મળવું નહીં,
…….ને કોઈ સાથે ઝઘડવું નહીં.
નાવની જેમ ઊપડવું નહીં,
……ને મોજાંની જેમ ઊછળવું નહીં.

પંથ વહે તો વહેવા દો,
…..પંથની સાથે ચાલવું નહીં,
વૃક્ષની જેમ ઊભા રહી,
…..ફોરમની જેમ વહેવું અહીં

માણસ મરણ પામે છે ત્યારે તેના મૃતદેહથી સહેજ વાર પહેલાં જ અળગા થયેલા જેને પગે લાગી પુષ્પ ચડાવી – પ્રદક્ષિણા કરી માન અપાય છે, કોઈ મહાન દેશ પ્રેમી નેતાને તોપોની સલામી સાથે ચંદનની મીઠી સુગંધ સાથે રડતી આંખે અલવિદા અપાય છે ત્યારે કે કોઈ દેશદ્રોહી ભયંકર ગુનેગારને ફાંસી અપાયા પછી માથા પરથી ટોપી ઉતારી જેને માન અપાય છે તે… જિંદગી. એનું મૂલ્ય એને ધારણ કરનારને દુનિયાની તમામ સંપત્તિથી પણ વિશેષ.
જીવન એટલે આપણા અસ્તિત્વની અસ્મિતા. ચૈતન્યના ખળભળતા સાગરમાં સંવેદના અને ભાવનાના ઉછળતા મોજાઓ. પ્રતિ પળ ઉદ્દઘાટિત થતાં અવનવા વિસ્મયોનો સાક્ષાત્કાર. રવીન્દ્રનાથ ટાગોરે આવા જ અર્થમાં કહ્યું હતું – ‘That I exist is a perpectual surprise which is life’ – ‘હું અસ્તિત્વ ધરાવું છું તે એક નિરંતર આશ્ચર્ય છે અને તે જ મારું જીવન છે.’ જિંદગી તો જાદુગરણી છે. તે પળે પળને નવા રૂપ-રંગે બદલતી રહે છે. સમયના સફેદ પટ પર વૈવિધ્યભરી ઘટનાના અવનવા રંગો પૂરતી જ રહે છે. અંગ્રેજ કવિ પર્સી બીસી શેલીએ આ જ સત્યને કવિતાના શબ્દોમાં ઢાળી પોતાની રીતે ગાયું હતું – ‘Life like a dome of many coloured glass, stains the white radiance of eternity – જીવન, રંગબેરંગી કાચના ગુંબજની જેમ અનંત કાળના શ્વેત પ્રકાશને રંગી દે છે !’
જિંદગી હંમેશા પરિવર્તનના ઘોડા પર સવાર રહે છે. એટલે જ એને પરિવર્તનનો પર્યાય કહેવાય છે. તેમાં સંસરણ અને પરિવર્તનનું સાતત્ય છે. બે બદલાતી પળોને જોડનારી જે સ્થિરતા છે તે જિંદગી છે. આ સ્થિરતા પર પરિવર્તનનું પ્રત્યારોપણ છે એટલે જિંદગી સતત પરિવર્તનશીલ જ લાગતી રહે છે. બે પળ વચ્ચેની ક્ષણિક સ્થિરતા પણ આભાસી (Virtual) લાગે છે. આભાસો પર વાસ્તવિકતા ખડી છે કે વાસ્તવિકતા પર આભાસો ખડા છે એ જાણવું મુશ્કેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવન સ્વપ્ન છે કે સ્વપ્ન જીવન છે ? એના જેવી મૂંઝવણ છે. અહીં આરંભ અને અંતની વણઉકલી સમસ્યા પણ છે. પહેલાં બીજ ઉત્પન્ન થયું કે વૃક્ષ અથવા ઈંડું કે મરધી ? આજે વિજ્ઞાન કહે છે કે સ્થળ અને સમય એક જ તત્વના બે આયામો છે. એટલે આ બધા પ્રશ્નોનો જવાબ એક સમાન જ છે. વાસ્તવિકતા અને આભાસો એકમેકને ‘બનવા’ મદદગાર થઈને પોતપોતાના ગુણધર્મો અલગ-અલગ રાખીને યુગપદમાં સમાંતર રહીને સાથે સાથે રહે છે !

આમ જીવન પરિવર્તનનું સાતત્ય છે અને સાતત્યનું પરિવર્તન છે. ડૉ. ઝીવાગોના લેખક, રશિયન સાહિત્યકાર બોરિસ પાસ્તરનાકે તેમની આ નવલકથામાં લગભગ આવા જ શબ્દોમાં જીવનનું સત્ય આલેખ્યું છે : ‘Life is the principle of self-renewal, it is constantly renewing and remaking and changing and transfiguring itself – જીવન આત્મ-પુનર્પરિવર્તનનો સિદ્ધાંત છે. તે સતત અભિનવ થતું રહે છે, પરિવર્તન પામતું રહીને નિત્ય નૌતમ રૂપ ધારણ કર્યા જ કરે છે.’ સોક્રેટીસથી પણ પહેલાં થઈ ગયેલા ગ્રીક તત્વચિંતક હીરાકલીટસે જીવનનું આ સત્ય રજૂ કરતાં લખેલું – ‘All is flux, nothing stays still – બધું જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી.’ જીવનની પળો એટલી ચંચળ છે કે તે પકડવાનો પ્રયત્ન કરવા જતાં જ છટકી જાય છે. સમયના ‘પેસેજ’માંથી ઘટનાઓ વહેતી જાય છે. સાથે સાથે માનવી પણ વહેતો જાય છે. જાણીતા ગુજરાતી કવિ સ્વ. મણીલાલ દેસાઈએ આ વાત સરસ શબ્દોમાં રજૂ કરી છે :
‘સરકી જાયે પલ,
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ,
નહિ વર્ષામાં પૂર નહિ એ ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગ-નિસંગની એને, કશી અસર નવ થાય.
જાયે તેડી પોઢેલાને એ નવે લોક નવસ્થલ.’

કુદરતના અદ્દભુત કરીશ્માથી સર્જાય છે જીવન સુંદરી ! સમય તેને નવા નવા વાઘા પહેરાવી સોળે શણગારે સજાવતો રહે છે. એને રંગીન રસફૂવારીઓથી ભીંજવી સુખદુ:ખના ખટમીઠા સ્વાદોથી આહલાદ સંતૃપ્તિ આપતો રહે છે. જીવનના અનુભવ સાથે જીવંતતાનો અનુભવ પણ જોડાયેલો છે. એનો અનુભવ ન હોય તો જીવન કેવળ નામનું જ છે. વનસ્પતિ તુલ્ય કેવળ શ્વાસ લેવા પૂરતું કે પથ્થર તુલ્ય કેવળ હોવારૂપ. જીવનધારી પણ જીવનના અનુભવથી વંચિત રહી જાય તેવું પણ અસંભવ નથી. જીવન પ્રત્યે જાગરૂકતા કેળવવાથી જીવંતતા આવી જાય છે. બ્રસ બાટનનું એક સુંદર વિધાન છે : ‘નિશ્ચેતનતાના ખડકને જે માણસ જાગરૂકતાથી શારડી વડે ભેદી શકે છે તેને માટે જીવન પાતાળ કૂવાના ફૂવારાની જેમ ફૂટી નીકળે છે.’ ભર્તુહરિએ વિજ્ઞાન શતકમાં એક સુંદર શ્લોક લખ્યો છે :
‘चिद्रत्नमत्र पतितं वपुरन्धकूपे पुंसो भ्रमादनुपमं महनीय तेज: ।
सद्य: समुद्धरति तभ्दविता कृतार्थो मन्ये स एव समुपासित विश्वनाथ: ।।
મનુષ્યના અજ્ઞાનને લીધે અનુપમ તથા મહાતેજસ્વી ચૈતન્યરૂપી રત્ન
શરીરરૂપી અંધારા કૂવામાં પડી ગયું છે તેનો જે મનુષ્ય ઉદ્ધાર કરે છે
તે કૃતાર્થ છે અને તેણે જ વિશ્વનાથને સાચી રીતે ઉપાસ્યા છે એમ હું માનું છું !’ આમ, જીવન તત્વનો સાક્ષાત્કાર એ જ ઈશ્વરની ખરી આરાધના છે. જાગૃત સાક્ષીભાવથી માનવી અસ્તિત્વનાગહન અંતરાલમાં ડોકીયું કરી શકે છે અને સ્વયં-સુવૃત સત્યને યથાર્થ રીતે પામી શકે છે. એટલે જ ભગવાન બુદ્ધે મૂર્ચ્છાને મૃત્યુપદ અને આત્મ-હોશને અમૃતપદ કહ્યાં છે : अप्पपदो अमतपदं, पमादो मच्चुनो पदम ।

માનવીની જિંદગી સાતત્ય અને પરિવર્તન પર આધારિત છે. જીવન અને જિંદગી વચ્ચે એક તાત્વિક તફાવત છે. જેમાં જૂનાને હડસેલી દેવાનું સાહસ અને નવાને વધાવી લેવાનો ઉમળકો ન હોય તે જિંદગી જિંદગી ન કહેવાય. તેમાં ચેતનાનો ચમકારો જોઈએ, પરિવર્તનનો ભણકારો જોઈએ ! ક્રિયામાં ભાવની ઉત્કટતા આવે ત્યારે જ જીવન જિંદગી બને. એટલે જ કહેવાયું છે : ‘જિંદગી ઝિંદાદિલીનું નામ છે, જીવવું દિલ જીતવાનું કામ છે !’ ઝિંદાદિલ માનવી ગમે તેવી પ્રતિકૂળતાનો હસતે મુખે સામનો કરી શકે છે –
कुछ नहीं डर वायु जो प्रतिकूल है । और पैरोंमें कसकता शूल है ।
क्योंकि मेरा तो हर अनुभव यही । राह पर हर एक कांटा फ़ूल है ।
ક્રિયાની નિષ્ઠામાં કે ભાવની શુદ્ધતામાં સહેજ પણ અધુરપ જિંદગીની યથાર્થતાને દૂષિત કરી દે છે. ભાવ અને કર્મમાં શિથિલતા આવે તો તે એક પ્રકારનો રોગ બને. ઉત્કટતાનો અભાવ જીવનને લકવાગ્રસ્ત બનાવી દે છે. સાચી જિંદગી જીવવા માણસ માટે એ જરૂરી છે કે તે દરેક ક્રિયા દિલ દઈને કરે ! જે કરવું છે તેમાં ‘ડૂબી જવું’ને જે મેળવવું છે તે માટે ‘મરી ફીટવું’ એ જ જીવન પુષ્પને પૂરબહારમાં ખિલવવાનું સૂત્ર છે. મરજીવા મરવાથી ડરતા નથી, એટલે જ ઉંડા સાગરમાંથી મોતી બહાર કાઢી શકે છે. એમને મરવું અને જીવવું સમાન જ લાગે છે એટલે તો એમનું નામ ‘મરજીવા’ પડ્યું છે ! એક શાયરે અદ્દભુત કહ્યું છે :
‘मुझे रोकेगा तु अय नाखुदा क्या गर्क होनसे ?
कि जिन को डूबना हो, डूब जाते है सफ़ीनोमें.’
આવી જ ખુમારીથી બીજા એક શેરમાં કહેવાયું છે –
‘दरिया की जिंदगी पर सदके हजार जानें,
मुझ को नहीं गँवारा, साहिलकी मौत मरना’

એક સુંદર પ્રસંગ સાંભળ્યો હતો –
એક વાર એક રાજાએ તેના એક સંનિષ્ઠ અને પ્રમાણિક મંત્રીને બીજા મંત્રીઓની ખોટી કાનભંભેરણીથી દેહાંતદંડની સજા ફરમાવી દીધી. એ સંદેશો આપવા માટે અને તેના પર પહેરો ભરવા માટે કેટલાક સિપાઈઓ પણ મોકલ્યા. જ્યારે તે બધા મંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે તેના જન્મદિવસની ઉજવણીનો ભવ્ય સમારોહ ચાલી રહ્યો હતો. સિપાઈઓએ તે મંત્રીને રાજાનો આદેશ સંભળાવ્યો : ‘આજે સાંજે ભરબજારમાં તમને ફાંસી આપવામાં આવશે. તમારે અહીંથી બહાર નીકળવાનું નથી. સિપાઈઓ ઘરની બહાર પહેરો ભરી રહ્યા છે.. સમય થશે ત્યારે તમને બેડી પહેરાવી બજારમાં લઈ જવામાં આવશે.’ આ આદેશ સાંભળતાની સાથે જ સન્નાટો છવાઈ ગયો. જલસાના રંગમાં ભંગ પડ્યો. સંગીતકારો ગાતાં અને વગાડતાં અટકી ગયા. સૂરાવલીઓ જાણે હવામાં જ થીજી ગઈ ! નર્તકીઓના પગ નૃત્ય કરતાં કરતાં થંભી ગયા. ભોજન કરી રહેલા લોકોના હાથમાં લેવાયેલ કોળિયો હાથમાં જ રહી ગયો ! બધા પેલા મંત્રી તરફ જોવા લાગ્યા. તેના મુખ પર પહેલાંના જેવી જ પ્રસન્નતા અને સ્વસ્થતા છવાયેલી હતી. તેણે આમંત્રિતોને વિનંતી કરી – ‘શોક ન કરશો. ખાઓ-પીઓ, નાચો-ગાઓ, મજા કરતા જ રહો. આ મારી અંતિમ ઈચ્છા છે.’ મરનારની અંતિમ ઈચ્છા તો પૂરી કરવી જ જોઈએ ને ?! ફરીથી કાર્યક્રમ ચાલુ થયો. મંત્રી પહેલાંની જેમ મસ્તીથી ઝૂમવા લાગ્યો. ધીરે ધીરે બીજા બધા પણ તેમાં જોડાવા લાગ્યા. કોઈકે આ સમાચાર રાજાને આપ્યા. રાજા પોતે તે જોવા દોડી આવ્યો. તેને તેની આંખો પર વિશ્વાસ નહોતો બેસતો ! તેણે મંત્રીને પૂછ્યું – ‘આજે સાંજે તને ફાંસી મળવાની છે તે સમાચાર સાંભળવા છતાં તું આટલો આનંદિત કેમ છે ?’ મંત્રીએ તેનો જવાબ આપતાં કહ્યું : ‘મહારાજ, તમે જાણો જ છો હું જીવનની હર પળ આનંદથી જ જીવ્યો છું. એની છેલ્લી પળો દુ:ખી થઈને જીવું તો આખા જીવનને અન્યાય કર્યો કહેવાય. જેમ જીવનને આનંદથી માણ્યું તેમ હવે મૃત્યુને પણ આનંદથી માણવા માગું છું. મારો જન્મ દિવસ જ મારો મરણ દિવસ બનવાનો છે એ તો મારું સૌભાગ્ય કહેવાય. સોનામાં સુગંધ ભળવા જેવું ગણાય.’
રાજાએ વિચાર કર્યો : ‘શું આને દેહાંત દંડ આપવો યોગ્ય કહેવાય ? બહુ ઓછા માણસો જીવન જીવવાની આવી કળા જાણતા હશે ! મોટાભાગના લોકો જીવતાં જીવતાં મરી જતા હોય છે, પણ આ તો મરીને પણ જીવી જાય એવો માણસ છે ! જેને જીવતાં આવડતું હોય તેની પાસેથી આવું અદ્દભુત જીવન છીનવી લેવું એ એક અપરાધ છે.’ રાજાએ તેને જીવતદાન આપ્યું. થોડા સમયમાં જ પેલા કાવતરાબાજ પ્રધાનોના અપરાધનો ભાંડો ફૂટી ગયો. પેલો પ્રધાન નિર્દોષ સાબિત થયો. રાજાએ ભરસભામાં તેની ક્ષમા માંગી અને તેનું ભારે બહુમાન કર્યું. તેને પહેલાં કરતાં પણ વધુ ઉચ્ચ પદ પ્રદાન કર્યું. તેણે જીવનકળાના એ અદ્દભુત સાધકને નતમસ્તક પ્રણામ કર્યા !

ઝિંદાદિલ જિંદગી જીવનાર માનવી આવો હોય. વિશ્વના મહાન અંગ્રેજ નાટ્યકાર વિલિયમ શેક્સપિયરે જુલિયસ સિઝરનું બહુમાન કરતાં લખ્યું હતું :
His life was gentle and the elements so mixed in him,
That nature might stand up and say to the whole world-
This was a man !’

‘તેનું જીવન ઉમદા હતું અને તેનામાં હતા ગુણો એવા સંમિશ્રિત,
કુદરત પોતે ઉભી થઈ જાય અને કહે આખા જગતને, ‘આ હતો એક માનવી !’
આવું મહાન હોવું જોઈએ માનવીનું જીવન. જીવનને ઉદાત્ત બનાવવા ઉત્કૃષ્ટ વિચારો અને ઉમદા કાર્યો કરતાં રહેવું પડે. તે પણ આત્મ-જ્ઞાનની પૂર્ણ સભાનતા સાથે. જીવન સતત જાગરણમાં રહેવાની પ્રક્રિયા છે. સુષુપ્તિ મરણ અને જડતાની નિશાની છે. માનવીએ પૃથ્વીના તમસભર્યા અંધકારમય માર્ગ પરથી પસાર થઈ દિવ્ય જ્યોતિનો સાક્ષાત્કાર કરવાનો છે જ્યાં દ્વન્દ્વ અને સંઘર્ષ સર્વથા નિવૃત્ત થઈ જાય છે. જડ ચૈતન્ય વિના વિકાસરહિત છે અને ચૈતન્ય જડ વિના આકારરહિત. આ બન્નેની પ્રતિક્રિયા જ જીવન છે. સર્જનહાર જડ-ચેતન સાથે જે સંતાકુકડી રમી રહ્યો છે તે જ છે જીવન. જે માનવી ચેતન રૂપ પરમાત્માને જ્ઞાન અને હોશથી શોધી કાઢે છે તે જીવનની સર્વોત્તમ ફલશ્રુતિ રૂપ અલૌકિક આનંદને ઉપલબ્ધ કરી લે છે. એટલે જ જેમ્સ જોયસ જેવા જીવનને આવકારી પૂર્વે સર્જાયું ન હોય તેવું જીવન બનાવવાની જેહાદ ઉપાડે છે :
Welcome, O life ! I go to encounter for the millionth time the reality of experice and to forge in the smithy of my soul the uncreated consicience of my race’

જો માનવીના જીવનમાં જાગરણની પ્રક્રિયાથી આનંદમયતા ન આવે તો તેને તે ભારસલ્લી અને નિરર્થક લાગે છે. તેના મુખેથી ‘બેફામ’ની જેમ કેવળ અફસોસના શબ્દો જ ઉચ્ચારવાના બાકી રહે છે.
‘ગમે તેવા પ્રસંગો દઈ બગાડી નાંખી દુનિયા એ
હતી નહિ તો બહુ સારી જીવનની વારતા મારી !’

એટલે જ મને ઘણી વાર એ વિચાર આવ્યા કરે છે –
દરેક માનવીને યોગ્ય જિંદગી તો પ્રાપ્ત થાય છે, પણ દરેક જિંદગીને યોગ્ય માનવી પ્રાપ્ત થાય છે ખરો ?

No comments:

Post a Comment